બાગપતની રહેવાસી નેન્સી ત્યાગી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના હુનર અને સુંદરતાનો જલવો વિખેરી રહી છે. નેન્સી ડ્રેસ ડિઝાઈનિંગની આવડતના લીધે કાનમાં આયોજિત 77મા કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની છે. સૌથી ખાસ વાત એ છે કે તે ફેસ્ટિવલમાં પોતાનું જ ડિઝાઇન કરેલું 20 Kgનું ગાઉન પહેરીને પહોંચી છે.
એક સામાન્ય પરિવાર સાથે સંબંધ ધરાવતી નેન્સીની સફર ઘણી રસપ્રદ છે. બાળપણમાં રમતાં રમતાં ઢીંગલીઓનાં કપડાં સીવતી નેન્સી આજે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે. ડ્રેસ ડિઝાઈનના વીડિયો અપલોડ કરીને, તે ફેમસ ડ્રેસ ડિઝાઈનર અને સોશિયલ મીડિયા પ્રભાવક પણ બની ગઈ. આજે નેન્સીના સોશિયલ મીડિયા પર 15 લાખથી વધુ ફોલોઅર્સ છે.
બરનાવાના રહેવાસી ગજેન્દ ત્યાગી મિકેનિક, ટ્રાન્સપોર્ટર અને ખેડૂત છે. બજારમાં તેમની નાની દુકાન છે. આ દુકાનની આવકથી ગજેન્દ્ર પોતાનું ઘર ચલાવે છે. તેમના પરિવારમાં તેમની પત્ની માયા, પુત્રી નેન્સી અને પુત્ર મનુ છે. પુત્ર અને પુત્રીએ પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં મેળવ્યું. આ પછી દીકરી UPSCની તૈયારી કરવા દિલ્હી ગઈ હતી.
નેન્સી દિલ્હી ગઈ તેના થોડા સમય બાદ કોરોના આવ્યો. લોકડાઉનને કારણે બધું જ ઠપ થઈ ગયું. ત્યારપછી નેન્સીએ તેની માતાનું જૂનું સિલાઈ મશીન લીધું અને પોતાનાં કપડાં સીવવાનું શરૂ કર્યું. કપડાં તૈયાર કરતી વખતે નેન્સીએ અચાનક સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને તે વાઇરલ થયો.
આ પછી નેન્સી ડ્રેસ ડિઝાઈનના વીડિયો અપલોડ કરતી રહી અને બધાને તેની કળા પસંદ આવી અને તે ઇન્ફ્લૂએન્સર બની ગઈ.
નેન્સીએ મેરઠની હરા ઇન્ટર કોલેજમાંથી ઇન્ટરમીડિયેટ સુધીનો અભ્યાસ કર્યો છે. તે પછી વર્ષ 2020માં, નેન્સી ત્યાગીએ ભાઈ મનુ ત્યાગી પોતાની માતા સાથે દિલ્હીમાં રહીને અભ્યાસ કરવા લાગી.
અભ્યાસની સાથે નેન્સી ત્યાગીએ દિલ્હીમાં ફેશન ડિઝાઈનિંગ કરવાનું શરૂ કર્યું અને તે મોટા ફેશન ડિઝાઈનર્સનાં કપડાં જોઈને ઘરે જ કપડાં સીવતી હતી. આ પછી તેણે કપડાંની રીલ્સ બનાવી છે અને તેની મદદથી તે દુનિયભરમાં ઓળખ બનાવવામાં સક્ષમ બની.
મનુએ જણાવ્યું- 4 મહિના પહેલાં નેન્સીને બ્રુટ દ્વારા કાનમાં આમંત્રણ મળ્યું હતું. અમને કહેવામાં આવ્યું કે તમારે કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સ જવું પડશે. તૈયારીઓ કરો. અમને વિશ્વાસ ન હતો કે અમને સોશિયલ મીડિયા દ્વારા આટલી મોટી તક મળશે.
નેન્સી તેની સુંદરતા અને ગાઉન બંનેના કારણે કાનમાં દબદબો જાળવી રાખ્યો. ભાઈ મનુએ કહ્યું- જ્યારે અમને કાન જવાની ખબર પડી ત્યારે અમે વિચાર્યું કે અમે ત્યાં બીજાનાં બનાવેલાં કપડાં પ્રદર્શિત નહીં કરીએ. નેન્સીએ નક્કી કર્યું કે તે ડિઝાઇનિંગના કારણે આ શોમાં પહોંચી છે. તેથી, તે ત્યાં પોતાનો તૈયાર કરેલો ગાઉન પહેરશે. આ પછી અમે બંનેએ સાથે મળીને આઉટફિટ ડિઝાઇનિંગ વિશે વિચારવાનું શરૂ કર્યું.
નેન્સીએ રેડ કાર્પેટ મેઈન શો માટે બેબી પિંક રોઝ કલરનો ફ્રિલ ગાઉન ખાસ ડિઝાઈન કર્યો હતો. થ્રી પીસ ગાઉન નેટ ફેબ્રિકથી બનેલો છે. દિલ્હીના હોલસેલ માર્કેટમાંથી ગાઉન માટે આખું 1100 મીટર નેટ ફેબ્રિક ખરીદ્યું. તેમાંથી 1000 મીટર કાપડમાંથી ગાઉન બનાવવામાં આવ્યો છે. તેનું વજન 20 કિલો છે. ગાઉનનાં ત્રણ પીસમાં મેન ગાઉન, ગ્લવ્ઝ અને ટેલ ત્રણ પીસમાં છે.
મનુએ જણાવ્યું – નેન્સીએ પોતે એક મહિના સુધી રાત-દિવસ કામ કરીને આ ગાઉન ડિઝાઇન કર્યો અને ઘરે જ મશીન વડે સિલાઇ કરી. તેણે નક્કી કર્યું હતું કે તે ફક્ત પોતાના બનાવેલા ગાઉનનું જ પ્રદર્શન કરશે. નેટ સિવાય ગાઉનમાં મોટિફ વર્ક છે. આ કામમાં મમ્મી-પપ્પાએ પણ પૂરો સાથ આપ્યો છે.
નેન્સીએ કાન ફેસ્ટિવલ માટે કુલ 4 ડ્રેસ તૈયાર કર્યા હતા. મુખ્ય ડ્રેસ ગુલાબી ગાઉન હતો, જે તેણે રેડ કાર્પેટ પર પ્રદર્શિત કર્યો હતો. આ સિવાય શોમાં 3 વધુ ડ્રેસિસ પહેરવામાં આવ્યા હતા. નેન્સી માટે આ ગાઉન તૈયાર કરવો જેટલું મુશ્કેલ હતું તેટલું જ તેને ભારતથી ફ્રાન્સ લઈ જવામાં પણ મુશ્કેલ હતું.
20 કિલોના ગાઉનને પેક કરવા માટે ત્રણ મોટી કન્ટેનર બેગ ખાસ તૈયાર કરવી પડી હતી જેથી ગાઉન સરળતાથી તેમાં રાખી શકાય. આ માટે અલગથી સામાન બુકિંગ પણ કરાવવું પડ્યું હતું.
કાનમાં પાપારાઝી સાથે હિન્દીમાં વાત કરતી વખતે નેન્સીએ કહ્યું – મારું આટલું મોટું સપનું નહોતું, જ્યાં તે આજે ઊભી છે. તેણે માત્ર એક મહિનામાં એક હજાર મીટર કાપડનો ઉપયોગ કરીને પોતાના માટે ગાઉન બનાવ્યું. મારી મુસાફરી મુશ્કેલ હતી, પરંતુ દરેક ક્ષણ કીમતી હતી.
હું તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે આભારી છું. આ એક સપનું સાચું પડવા જેવું છે અને મને આશા છે કે મારું ક્રિએશન તમને તેટલું જ પસંદ આવશે, જેટલું તમારા સમર્થને મને પ્રેરિત કરી છે. દિલથી તમારો બધાનો ધન્યવાદ.
નેન્સીની માતા માયાએ જણાવ્યું – બાળપણમાં નેન્સી તેની ઢીંગલી માટે કપડાં તૈયાર કરતી હતી. તે રોજ નવાં કપડાં બનાવતી હતી. તે સમયે અમને ખબર ન હતી કે તે ભવિષ્યમાં ડિઝાઇનર બનશે. સૌથી પહેલા તેણે સાડી લહેંગા બનાવતો વીડિયો શેર કર્યો હતો, જેને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે સતત વીડિયો અપલોડ કરી રહી છે.
નેન્સીએ સોશિયલ મીડિયા પર 100 દિવસની આઉટફિટ ચેલેન્જ ચલાવી છે. આમાં તેણે 90 ડ્રેસ પૂરા કર્યા છે. તે પોતે દરરોજ નવા ડ્રેસનું સ્કેચ બનાવે છે. પછી બજારમાંથી કપડું લાવીને તેને સ્ટિચ કરે છે અને શોકેઝ કરે છે.
ફ્રાન્સમાં દર વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. દુનિયાભરના સિતારાઓનો મેળો જામે છે. અહીં સેલિબ્રિટીઝ તેમના આઉટફિટ્સને કારણે ચર્ચામાં રહે છે. ખાસ કરીને, અભિનેતાઓ, દિગ્દર્શકો, પટકથા લેખકો, નિર્માતાઓ અને સંગીતકારો બધા ઉત્સવ માટે એક સાથે આવે છે.