મણિપુરમાં 3 મેથી કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસા ચાલી રહી છે. રવિવારે સવારે બિષ્ણુપુર-ચુરાચાંદપુર બોર્ડર પર બંને સમુદાયના લોકો ફરી હિંસા થઈ હતી. આ હિંસામાં ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને ચોથાનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી.

ઇમ્ફાલથી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં રાતભર ચાલેલા ગોળીબારમાં ઓછામાં ઓછા પાંચ અન્ય ઘાયલ થયા હતા. સીએમ એન બિરેન સિંહે કુમ્બી વિધાનસભા સીટ હેઠળના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોને સંપૂર્ણ સુરક્ષાનું વચન આપ્યું હતું.
આ દરમિયાન, કુકી સમુદાય દ્વારા સૈન્ય સુરક્ષાની માંગને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. 20 જૂનના રોજ, સુપ્રીમ કોર્ટે મણિપુર ટ્રાઇબલ ફોરમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
મણિપુરમાં હિંસાને જોતા મુખ્યમંત્રી એન. બિરેન સિંહ 30 જૂને પદ છોડવાના હતા. બિરેને રાજ્યપાલ અનુઈસુ્યા ઉઇકેને મળ્યા બાદ રાજીનામું આપવાનું નક્કી કરી લીધું હતું. ત્યારે જ સેંકડો મહિલાઓ ઇમ્ફાલમાં રાજભવન સામે પહોંચી હતી. મહિલાઓએ બિરેન સિંહને રાજીનામું ન આપવાની અને હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ પછી, મુખ્યમંત્રીએ સાંજે 4.15 વાગ્યે ટ્વિટર પર કહ્યું કે હું રાજીનામું નહીં આપુ. બિરેને કહ્યું કે હિંસા અંગે પીએમ અને ગૃહમંત્રીના પોસ્ટરો સળગાવવાથી તેઓ દુખી છે.

ઇમ્ફાલ જિલ્લામાં આજે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે
મુખ્યમંત્રી બિરેન સિંહે રવિવારે બિષ્ણુપુર-ચુરાચાંદપુરને અડીને આવેલી પહાડીઓ પર જમીનની સ્થિતિ જોઈ. ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે સોમવારે સવારે 5 થી સાંજે 6 વાગ્યા સુધી ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં કર્ફ્યુમાં રાહત આપવામાં આવશે.
મણિપુર હિંસાનું કારણ શું છે તે 4 મુદ્દાઓમાં જાણો…

1. મણિપુરમાં મૈતેઇ સમુદાય અડધી વસતિ ધરાવે છે
મણિપુરની લગભગ 38 લાખ વસતિના અડધાથી વધુ મૈતેઈ સમુદાયના લોકો રહે છે. ઇમ્ફાલ ખીણ, જે મણિપુરના લગભગ 10% વિસ્તારને આવરી લે છે, એમાં મૈતેઇ સમુદાયનું વર્ચસ્વ છે. હાલમાં મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિ (ST)માં મૈતેઈ સમુદાયના સમાવેશ પર વિચારણા કરવા આદેશો જારી કર્યા છે.
2. મૈતેઇ સમુદાય શા માટે અનામત માગે છે
મૈતેઈ સમુદાયના લોકો દલીલ કરે છે કે 1949માં ભારતીય સંઘ સાથે વિલીનીકરણ પહેલાં તેમને રજવાડામાં જનજાતિનો દરજ્જો હતો. છેલ્લાં 70 વર્ષમાં મૈતેઈ વસતિ 62 ટકાથી ઘટીને લગભગ 50 ટકા થઈ ગઈ છે. મૈતેઈ સમુદાય તેની સાંસ્કૃતિક ઓળખ માટે અનામતની માગ કરી રહ્યું છે.
3. નાગા-કુકી આદિજાતિ અનામતના વિરુદ્ધમાં છે
મણિપુરના નાગા અને કુકી જનજાતિ મૈતેઈ સમુદાયને અનામત આપવાના વિરોધમાં છે. નાગા જાતિ રાજ્યના 90% વિસ્તાર પર કબજો કરે છે અને કુકીઓ રાજ્યની વસતિનો 34% ભાગ બનાવે છે. તેઓ કહે છે કે રાજ્યની 60 વિધાનસભા બેઠકમાંથી 40 બેઠક પહેલેથી જ મૈતેઇના પ્રભુત્વવાળી ઇમ્ફાલ ખીણમાં છે. રાજકીય રીતે મણિપુરમાં મૈતેઈ સમુદાય પહેલેથી જ પ્રભુત્વ ધરાવે છે. નાગા અને કુકી આદિવાસીઓને ડર છે કે એસટી કેટેગરીમાં મૈતેઈને અનામત આપવાથી તેમના અધિકારોનું વિભાજન થશે. હાલના કાયદા મુજબ, મૈતેઇ સમુદાયને રાજ્યના પર્વતીય વિસ્તારોમાં સ્થાયી થવાની મંજૂરી નથી.
4. હાલની હિંસાનું કારણ અનામતનો મુદ્દો
મણિપુરમાં હાલની હિંસા મૈતેઇ અનામતને માનવામાં આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં મુખ્યપ્રધાન બિરેન સિંહની સરકારે ચુરાચંદપુરના જંગલ વિસ્તારોમાં રહેતી નાગા અને કુકી જાતિઓને ઘૂસણખોર ગણાવીને તેમને બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો. આનાથી નાગા-કુકી ગુસ્સે થઈ રહ્યા હતા. મૈતેઈ હિન્દુઓ છે, જ્યારે એસટી કેટેગરીના મોટા ભાગના નાગા અને કુકી ખ્રિસ્તી ધર્મને અનુસરે છે.
શું છે રાજકીય સમીકરણોઃ મણિપુરના 60 ધારાસભ્યમાંથી 40 ધારાસભ્ય મૈતેઈ અને 20 ધારાસભ્ય નાગા-કુકી જાતિના છે. અત્યારસુધી 12માંથી માત્ર બે જ સીએમ આદિજાતિમાંથી આવ્યા છે.
મણિપુર સરકાર ‘નો વર્ક-નો પે’ નો નિયમ લાગુ કરશે
મણિપુરમાં 3 મેથી કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસાને કારણે ઘણા સરકારી કર્મચારીઓ ઓફિસમાં જઈ શકતા નથી. મણિપુરમાં લગભગ એક લાખ સરકારી કર્મચારીઓ છે. રજાની મંજૂરી લીધા વિના ઓફિસમાંથી ગુમ થયેલા આ કર્મચારીઓ માટે સરકાર નવો નિયમ લાવી રહી છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં ‘નો વર્ક-નો પે’ નિયમ લાગુ કરશે.
રાહુલ સરકારી હેલિકોપ્ટર દ્વારા મણિપુરના ચુરાચાંદપુર પહોંચ્યા હતા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે સરકારી હેલિકોપ્ટરમાં મણિપુરના ચુરાચાંદપુર પહોંચ્યા હતા. તેઓ અહીં રાહત શિબિરમાં લોકોને મળ્યા હતા. તેને મોઇરાંગ જવું હતું, પરંતુ વહીવટીતંત્રે તેને મંજૂરી આપી ન હતી. પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ રાજ્યપાલ અનુસુઈયા ઉઇકે સાથે મુલાકાત કરી હતી. તેમણે રાહત શિબિરોમાં બેબી ફૂડ, દવા જેવી જરૂરી વસ્તુઓની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી.