ગાંધીનગરના દહેગામની બહિયલની નર્મદા કેનાલમાં બે સંતાન સાથે ઝંપલાવી પિતાએ કરેલી આત્મહત્યા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૃતક યુવકના પિતા દ્વારા પુત્રવધૂ સહિત ત્રણ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આત્મહત્યા બાદ મૃતકે લખેલી હોવાની મનાતી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં મૃતક યુવાનની પત્ની તેની પાસે ઘરમાં કચરા-પોતાં અને રસોઈ જેવાં કામ કરાવતી હોવાનો અને સગાંવહાલાં સાથે સંબંધ ન રાખવા માટે દબાણ કરતી હોવાના કારણે અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે મૃતક યુવકના પિતા દ્વારા ફરિયાદ નોંધાવાતાં દહેગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પિતાએ બે સંતાન સાથે કરી હતી આત્મહત્યા
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના બીલાસણા ગામના વતની અને દહેગામ તાલુકાના કડજોધરા ગામે પીએચસીમાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે નોકરી કરતા ચેતનસિંહ માનસિંહ ચૌહાણ પત્ની રાધિકા, દીકરી ધરતી અને દીકરા જયપાલ સાથે રખિયાલ ગામમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં. બે દિવસ પહેલાં પાંચમી તારીખે ચેતનસિંહે બંને સંતાનો સાથે બહિયલ નર્મદા કેનાલમાં સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. એ મામલે પોલીસે મૃતક ચેતનસિંહ વિરુદ્ધ સંતાનોની હત્યા કરવાનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ હવે દહેગામ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે તેની પત્ની, સાસુ
અને સાળા વિરુદ્ધ પણ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પત્ની, સાસુ અને સાળાના ત્રાસને કારણે આત્મહત્યા કરી
પાંચમી જુલાઈએ ચેતનસિંહે બંને સંતાન સાથે કેનાલમાં આપઘાત કરી લીધો હતો. તેણે આપઘાત કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે સોરી… મમ્મી, પપ્પા ,ભાઈ અને બહેનો. હું આજે તમારાથી સદાયને માટે દૂર જઈ રહ્યો છુ. આ ચિઠ્ઠી વાંચીને તમને બહુ જ દુ:ખ થશે, પણ શું કરું, હું મારી પત્ની રાધિકા, મારી સાસુ સુખીબેન અને મારો સાળો અલ્પેશસિંહના ત્રાસથી મારે આ પગલું ભરવું પડ્યું છે. મારી પત્ની મને ઘરમાં રાત-દિવસ સતત ઝઘડા જ કર્યા કરતી, મારી જોડે ના કરવાનાં કામ કરાવતી. જે કામ સ્ત્રીઓને કરવાનું હોય એ કામ મારી જોડે કરાવતી હતી. મારી પત્નીએ મને મારું ગામ છોડાવ્યું, મારા માતા-પિતા ભાઈ અને બહેનને પણ છોડાવ્યા, મારું કુટુંબ છોડાવ્યું એ તો ઠીક, બધું છોડી દીધું છતાંય મારી સાથે ઝગડા કરતી. મારા ઘરના કે બીજા મારા સંબંધી મારા ઘરે આવે તો પણ એ મારી સાથે ઝઘડતી. મને તો ત્યાં ના જવા દે, પણ મારાં માતા-પિતા કે ભાઈ કે બહેન મારા જોડે અહીં આવે તોપણ ઝઘડા કરતી. મારા સાસરામાં મારા સાળાને અને સાસુને ફોન કરીને બીજું બધું ના કહેવાનું પણ કહી દે, એટલે મારો સાળો મને ફોન કરીને તથા રૂબરૂ આવીને મને વારંવાર ધમકીઓ આપતા હતા કે તારી પર પોલીસ કેસ કરી ભરણપોષણનો દાવો કરીશું. વધુમાં સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે મારી બાજુમાં રહેતા પ્રજાપતિ કમલેશભાઈ તથા સાધુ સુરેશભાઈને પણ ફોન કરીને કહે કે ચેતનસિંહને તો હુ કેસ કરી ભરણપોષણનો દાવો મૂકું. મારી એક વિનંતી કે આ તો ખાલી માહિતી જ આપું છુ, પણ આ બન્ને ભાઈ કમલેશભાઈ અને સુરેશભાઈને કશું કઈ વાતમાં લેતા નહિ. એ બન્નેએ તો મારું ઘર સારી રીતે આગળ લાવ્યા છે. તેમણે તો મારો સંસાર ચલાવવા બહુ પ્રયત્નો કર્યા પણ મારી પત્ની ના માની કે ના મારી સાસરીવાળા માન્યા. આ લોકોનો મને એટલો બધો ત્રાસ હતો કે હું કેટલું લખું? બધું લખવા બેસું તો પાનાંના પાનાં ભરાય, પણ હું ટૂંકમાં લખીને પતાવું છુ.
પોતાની પાછળ કોઈ રકમ આવે તો તેનાં માતાપિતાને આપવા લખ્યું
મારી સરકારને અને બીજી કોઈ એજન્સીને નમ્ર વિનંતી કે મારી પાછળ જો કોઈ પૈસા આવવાના હોય તો મારાં માતા-પિતાને આપજો. બસ, હું બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું. મેં જે વ્યક્તિના કારણે આ પગલું ભર્યુ છે તેને તો પૈસા ના જ મળવા જોઈએ. સોરી.. મમ્મી,પપ્પા, ભાઈ તથા બહેનો તથા કુટુંબીજનો, ગ્રામજનો, મિત્રો, સગાંસંબંધીઓ… મારાં માતા-પિતાને બાય…બાય… છેલ્લા પ્રણામ અને હા પાછો મારો સાળો બધાને ફોનમાં એમ પણ કહે કે હું ભૂવો જોરદાર છું અને હું તો કોઈપણ રીતે ઉડાડી દઈશ, જીવતો તો નહીં જ છોડું, પણ પપ્પા, તમે કોઇ આગળ કાર્યવાહી ના કરતા, કારણ કે કરીને પણ હવે કંઈ મને મળવાનું તો નથી, હવે તમારું જે જવાનું હતું તે જતું રહ્યું, પછી ખોટું કંઈ કરતા નહિ.
મૃતકના પિતાએ પુત્રવધૂ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી
બે સંતાન સાથે પિતાની આત્મહત્યા મામલે ચેતનસિંહના પિતા માનસિંહ ચૌહાણ દ્વારા પુત્રવધૂ રાધિકા, ચેતનસિંહનાં સાસુ અને સાળા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાવતાં દહેગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.