WFME તરફથી નેશનલ મેડિકલ કમિશનને 10 વર્ષની માન્યતા
ભારતની કોઇ પણ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ માટે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં મેડિકલ પ્રેક્ટિસ કરીને ઉજ્જ્વળ કારકિર્દી ઘડી શકશે. વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME) તરફથી 10 વર્ષ માટે નેશનલ મેડિકલ કમિશનને માન્યતા અપાઇ હોવાથી ભારતના મેડિકલ ગ્રેજ્યુએટ્સ હવે વિદેશમાં પણ મેડિકલ પ્રેક્ટિસ કરી શકશે. આ માન્યતા મળ્યા બાદ જ્યાં WFMEની માન્યતાની જરૂર છે ત્યાં પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસનો માર્ગ ખૂલ્યો છે.
અત્યાર સુધી MBBSનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માત્ર ભારતમાં જ મેડિકલ પ્રેક્ટિસ કરી શકતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશમાં જે પણ નવી મેડિકલ કોલેજ ખૂલશે ત્યાંથી સ્નાતક થનારા તબીબોને પણ વિદેશમાં પ્રેક્ટિસ કરવાની પરવાનગી મળશે. WFME પાસેથી મળેલી માન્યતા બાદ હવે ભારતીય વિદ્યાર્થીઓ ફોરેન મેડિકલ એજ્યુકેશન અને યુનાઇટેડ સ્ટેટ્સ મેડિકલ લાઇસન્સિંગ એક્ઝામિનેશન માટે પણ અરજી કરી શકશે.
WFMEની માન્યતા આ રીતે મળે છે?
વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME) તરફથી મળેલી માન્યતા બાદ ભારતમાં શિક્ષણનું સ્તર સુધરશે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોને પહેલાથી જ માન્યતા મળી છે. તેના એક્રેડિટેશન માટે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ્સે શિક્ષણ અને તાલીમના સર્વાધિક દરજ્જાના આંતરરાષ્ટ્રીય માપદંડોને જાળવવા જરૂરી છે. WFMEની માન્યતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા માટે દરેક મેડિકલ કોલેજે લગભગ 50 લાખ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે છે. આ ફંડથી WFMEની ટીમ અહીં મુલાકાત કરે છે અને તેમના રહેવાનો અને અન્ય ખર્ચ પણ મેડિકલ કૉલેજને જ ઉઠાવવો પડે છે.