નવરાત્રી એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે. આ મહા પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ગરબા આયોજકોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. તો ઠેર ઠેર પંડાલ ખડકી દેવાયા છે. બીજી તરફ પોલીસે આ નવરાત્રીનું સુરક્ષિત રીતે આયોજન થાય તેને ધ્યાને રાખી 12 જેટલી ગાઈડ લાઇન બહાર પાડી છે. જે તમામ ગરબા આયોજકોએ પાલન કરવી ખૂબ જરુરી છે.
ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ફક્ત માં શક્તિની ભક્તિ અને ઉપાસના પૂરતો જ જાણીતો નથી પરંતુ આ સાથે નવરાત્રીમાં ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ગીત, સંગીત અને નૃત્ય દ્વારા હિંદુ માન્યતા અનુસાર દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ગરબા પણ એક ઉત્તમ માધ્યમ માનવમાં આવે છે.
અમદાવાદમાં ગરબા આયોજકોએ કરી તૈયારી
ખાસ કરીને ગરબામાં, સ્ત્રીઓ અને પુરુષો ગરબા કરતી વખતે માટલી એટલે કે ગર્ભદીપની આસપાસ ફરે છે. આ નવરાત્રીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ગરબા આયોજકોએ તૈયારીઓ કરી દીધી છે. ત્યારે પોલીસ પ્રશાસને પણ આવા નવરાત્રી જેવા કાર્યક્રમને સુરક્ષિત રીતે હાથ ધરવા માટેના પ્રયાસો ચુસ્ત બનાવ્યા છે.
આયોજકો માટે 12 જેટલી ગાઈડલાઈન
મળતી માહિતી અનુસાર ગુજરાતના અમદાવાદ શહેરમાં 50થી વધુ જેટલા પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાનું આયોજન માટે તૈયારીઓ કરવામાં આવી છે. આને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસને ગરબા આયોજકો માટે 12 જેટલી ગાઈડ લાઇન બહાર પાડી છે. રાસ ગરબા માટે પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી 12 જેટલી ગાઈડ લાઇન વિશે વિગતવાર જોઈએ.
ગરબા આયોજકો માટે 12 ગાઈડલાઇન
- નવરાત્રી પર ગરબાનું આયોજન કરવા માટે આયોજકોને પોલીસની મંજૂરીની જરૂર પડશે.
- ગરબા માટે આયોજકોએ તેમનું આધાર કાર્ડ બતાવવાનું રહેશે.
- ગરબા સ્થળના એન્ટ્રી, એક્ઝિટ પર CCTV લગાવવા ફરજિયાત.
- ગરબા દરમ્યાન પુરુષ મહિલા સિક્યુરિટી ગાર્ડ ફરજિયાત.
- ગરબા સ્થળના ફાયર સેફટી અંગેનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રિક ફિટિંગ અંગેનું પ્રમાણપત્ર લેવું પડશે.
- જે સ્થળ પર ગરબા યોજાશે તે જગ્યાના માલિકનું સંમતિ પત્ર અથવા તે જગ્યાના ભાડા માટેનો કરાર પત્ર જરૂરી રહેશે.
- ગરબા સ્થળ પર સાઉન્ડ સિસ્ટમ ચલાવનાર વ્યક્તિની વિગતો, આર્ટીસ્ટનું સહમતિપત્ર, વીમા પોલિસી.
- ગરબા આયોજન સ્થળ અંગે સરકાર માન્ય વાયરમેનનો સંમતિ પત્ર પણ જરૂરી રહેશે.
- ગરબા સ્થળ પર પાર્કિંગની તમામ બાબતોના ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
- ગરબા આયોજકે પોલીસે બહાર પાડેલી SOPનું પાલન કરવું ખૂબ જરૂરી.
- ગરબા કરતા કલાકારોનો સંમતિ પત્ર.
- ગરબા સ્થળ પર જનરેટર વગેરેની વ્યવસ્થા અંગેની માહિતી આપવી ફરજિયાત રહેશે.