જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી મહાકાળી ફોર્જિંગ નામની બ્રાસની ભઠ્ઠીમાં સગીરવયના બાળકો કામ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો, અને બાળમજૂરી કરી રહેલા બે બાળકોને મુક્ત કરાવ્યા છે, અને બાળ સંરક્ષણ ગ્રહમાં મોકલી આપ્યા છે. જ્યારે બ્રાસની ભઠ્ઠીના સંચાલકની સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગર પોલીસના એ.એચ.ટી.યુ. વિભાગના પોલીસ ઈન્સ્પેકટર એન.ડી. સોલંકી અને તેમના સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી, કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી મહાકાળી ફોર્જિંગ નામની બ્રાસની ભઠ્ઠીમાં નાના બાળકોને કામે રાખીને બાળમજૂરી કરાવી બાળકોનું શારીરિક તેમજ આર્થિક શોષણ કરવામાં આવે છે. જે માહિતીના આધારે દરોડો પાડયો હતો. જે દરમિયાન 13 વર્ષ તેમજ 17 વર્ષથી નાની વયના બે સગીર બાળકો કામ કરી રહેલા મળી આવ્યા હતા. જેથી શ્રમઆયુક્ત અધિકારી ડી.ડી. રામીએ બંને બાળકોનો કબ્જો ઈન્સ્પેકટર એન.ડી. સોલંકીએ સોંપી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યા છે.
ઉપરાંત બ્રાસની ભઠ્ઠીના સંચાલક મિલન મનસુખભાઈ અમરોલીયા સામે ધી ચાઈલ્ડ લેબર (પ્રોહીબિશનન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ 1986ની કલમ 14 (એ) 1 મુજબ કાર્યવાહી કરી તેની અટકાયત કરી લેવામાં આવી છે. આ કામગીરી પોલીસ શ્રમ આયુક્ત અધિકારી ડી.ડી. રામી, તેમજ એ. એચ. યુ. ટી. ની ટિમના એએસઆઈ રણમલભાઈ ગઢવી, રાજદિપસિંહ ઝાલા, કિરણબેન મેરાણી વગેરેએ કરી હતી.