કર્ણાટકના હાસન જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે. એક IPS અધિકારી હાસન જિલ્લામાં તેની પ્રથમ પોસ્ટિંગ પર જતા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, પોલીસે સોમવારે જણાવ્યું હતું. તેમની પસંદગી કર્ણાટક કેડરના 2023 બેચના IPS અધિકારી તરીકે કરવામાં આવી હતી. તે મધ્યપ્રદેશના રહેવાસી હતા.
પોલીસે જણાવ્યું હતું કે રવિવારે સાંજે હાસન તાલુકાના કિટ્ટાને પાસે પોલીસ વાહનનું ટાયર ફાટતાં અકસ્માત થયો હતો. ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને ગાડી રસ્તાની બાજુમાં આવેલા એક ઘર અને ઝાડ સાથે અથડાઈ.
પોલીસના જણાવ્યા અનુસાર, હર્ષ વર્ધન હોલેનરસીપુરમાં પ્રોબેશનરી આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ પર જવા માટે હાસન જઈ રહ્યા હતા. હર્ષ વર્ધનને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે ડ્રાઈવર માંજેગૌડાને સામાન્ય ઈજાઓ થઈ હતી.
પોલીસે જણાવ્યું કે આઈપીએસ અધિકારીએ તાજેતરમાં જ એક મહિના પહેલા મૈસુરની કર્ણાટક પોલીસ એકેડમીમાં તેની આઈપીએસની તાલીમ પૂર્ણ કરી હતી. આ તેમની પ્રથમ નોકરી હતી. તેમણે UPSC પરીક્ષામાં 153મો રેન્ક મેળવ્યો હતો. પ્રથમ પ્રયાસમાં જ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી.