પાણીની પાઇપ લાઇનમાંથી અવશેષો મળવાને લઇને સિદ્ધપુર શહેર છેલ્લા અઠવાડિયાથી ચર્ચામાં છે, મંળવારે માથુ અને હાથ, બુધવારે કમરથી પગનો ભાગ અને શુક્રવારે ફરીથી બીજો પગ મળતાં સિદ્ધપુર અને પાટણ જિલ્લા પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ છે. ત્યારે આજે આ અવશેષોનો ફોરેન્સિક પી.એમનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં અંતે ફાઇનલ થઇ ગયું છે કે, આ અવશેષો માનવ શરીરના અને 21થી 40 વર્ષની યુવતીના છે. જોકે, હજી એ નક્કી નથી થયું કે આ અવશેષ 7મેથી ગુમ યુવતીના છે કે અન્ય યુવતીના.. પોલીસે ગુમ યુવતીના માતા-પિતાના બ્લડના લીધેલા સેમ્પલનો રિપોર્ટ આગામી સોમવાર સુધી આવવાની શક્યતા છે.
મોત પહેલાં કોઇ ઇજાઓ નહીં
સિદ્ધપુરમાં મંગળવારે જ્યારે પહેલીવાર મૃતદેહના અવશેષ મળ્યા ત્યારે પ્રથમ દૃષ્ટીએ આ અવશેષ માનવ શરીરના જ છે કે પ્રાણીના એ કહેવું મુશ્કેલ હતું. જોકે, બુધવારે જ્યારે કમરથી પગ સુધીનો ભાગ મળ્યો ત્યારે કંન્ફોર્મ થઇ ગયું હતું કે આ અવશેષ માનવ શરીરના જ છે. જોકે, પી.એમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ હકીકત કહી શકાય એવું હતું. જેથી સ્થાનિક સિવિલ બાદ અવશેષો અમદાવાદ સિવિલ મોકલવામાં આવ્યા હતા. જેનો ફોરેન્સિક પી.એમનો રિપોર્ટ પણ આજે આવી ગયો છે. જેમાં ફાઇનલ થઇ ગયું છે કે આ અવશેષ યુવતીના જ છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, આ અવશેષ 21થી 40 વર્ષની યુવતીના છે. યુવતીના મોત પહેલાં કોઇ તિક્ષ્ણ હથિયારના ઘા, સાર્પ કટીંક કે કોઇ બોથર્ડ પદાર્થની ઇજાઓ જણાઇ નથી. યુવતીના મોત થયા બાદ તેનો મૃતદેહ લાંબા સમય સુધી પાણીમાં પડી રહ્યો હોવાથી સડવાની સાથે ફોગાઇ જતાં ડિ-કંપોઝ થઇ ગયો હતો. પાણીના વેગથી પાઇપ લાઇનમાં વારંવાર અથડવાથી શરીરના સાંધા, ચામડી અને માસના લોચા એકબીજાથી છુટા થઇ ગયા હતા.
ટાંકીમાંથી જ અંગો પાઇપમાં ગયા
પાટણના ઇન્ચાર્જ એ.પી વિશાખા ડભરાલે જણાવ્યું હતું કે, સિદ્ધપુર નગરપાલિકાને લેખિતમાં રિપોર્ટ આપીને પાઇપ લાઇનની નકશા સાથેની તેના પ્રવેશદ્વાર સાથેની માહિતી મેળવવામાં આવી છે. તેમજ પાણીની પાઇપ લાઇન ઉપર કામ કરતા એન્જીનિયરની પુછપરછ દરમિયાન જે અંગો મળેલા છે તે કોઠારીવાસ નજીક આવેલી પાણીની ઓવરહેડ ટાંકીમાંથી પાઇપ લાઇનમાં પ્રવેશ્યા હોય એવું સ્પષ્ટ થાય છે.
ગુમ યુવતીના મોબાઇલના ડેટાની તપાસ ચાલુ
એ.પીએ વધુમાં જણાવ્યું કે, 7મેના રોજ ગુમ થયેલી લવિના નામની યુવતીનો દુપટ્ટો પણ ટાંકામાંથી મળ્યો છે. જેથી આજુબાજુના તથા લવિનાના ઘરેથી માંડીને ટાંકા સુધીના તમામ રસ્તાઓના સીસીટીવી તપાસવાની કામગીરી ચાલુ છે. ગુમ થનાર લવિનાના મોબાઇલના ડેટા, કોલ રેકોર્ડિંગ અને તેના સોશિયલ મીડિયાની ડીટેઇલ કઢાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.
લવિનાના માતા-પિતાના બ્લડના સેમ્પલ લઇને ગાંધીનગર મોકલાયા
આ ઉપરાંત ગુમ થનાર લવિનાની બહેનપણીઓ તેમજ તેના માતા-પિતા સહિત પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. 12મેના રોજ લવિનાના લગ્ન હતા તો લગ્નને લઇને લવિનાને કોઇ મનદુ:ખ હતું કે કેમ? તે દિશામાં પણ તપાસ કરાઇ રહી છે. જ્યારે તેના માતા-પિતાના બ્લડના સેમ્પલ લઇને ગાંધીનગર તપાસ અર્થે મોકલાયા છે. જે ડી.એન.એ રિપોર્ટ સોમવાર સુધીમાં આવવાની શક્યતા છે. જે આવ્યા બાદ જ કન્ફોર્મ થશે કે મૃતદેહના આ અવશેષો લવિનાના છે કે અન્ય કોઇ યુવતીના છે.
પાણી છોડવામાં આવ્યું’ને ફરી પગ મળ્યો
સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં 17 અને 18 તારીખે બે અલગ અલગ વિસ્તારમાંથી મૃતદેહના અવશેષો મળી આવતા ચકચાર મચી હતી. ત્યારબાદ પાલિકા દ્વારા તુરંત જ પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ, પાઈપલાઈનમાંથી મૃતદેહના વધુ અવશેષ મળવાની આશંકાના પગલે શુક્રવારે અમદાવાદ મહાનગરપાલિકાની એક ટીમ રિમોટ ઓપરેટેડ કેમેરા લઈને સિદ્ધપુર પહોંચી હતી. પરંતુ, કેમેરા કરતા પાઈપલાઈન નાની હોવાના કારણે કેમેરો અંદર પ્રવેશી શક્યો ન હતો. જેથી કેમેરાથી તપાસ થઈ શકી ન હતી. ત્યારબાદ પાલિકા દ્વારા ટાંકામાં પાંચ લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું. જેમાં 100 કિલો ક્લોરીન પોટેશિયમ પરમેગેનેટ, હાઇપો ક્લોરાઈટ નાખવામાં આવ્યું હતું. તમામ વાલ્વ બંધ કરી જે જગ્યાએ અવશેષો મળ્યા હતા તે બે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. ફૂલ ફોર્સથી પાણી છોડાતા લાલ દોશીની પોળ પાસેથી ફરી એક પગ મળી આવ્યો હતો.
પગને લઈ જવા પાલિકાએ કચરાની ગાડીનો ઉપયોગ કર્યો
પગ મળી આવ્યા બાદ સિદ્ધપુર પાલિકા માનવતા ચૂકી હતી. સિદ્ધપુરમાં જાણે એમ્બ્યુલન્સ કે કોઈ અન્ય વાહન જ ન હોય એ રીતે પાલિકાએ પગને લઈ જવા માટે કચરાની ગાડીનો ઉપયોગ કર્યો હતો. પગને સફળ રીતે બહાર લાવનારી પાલિકા એને યોગ્ય રીતે લઈને જવામાં નિષ્ફળ નીવડી હતી. પાલિકા પાસે અન્ય કોઈ વાહન જ ન હોય એમ અવશેષને લઈ જવા કચરાની ગાડીનો ઉપયોગ કરાયો હતો. એને જોઈને પાલિકાનો અમાનવીય અભિગમ ઊડીને આંખે વળગ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
સિદ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમાં નગરપાલિકાની પીવાના પાણીની લાઈનમાં પાણી આવવાનું બંધ થઈ જતા સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવતા ઉપલી શેરી વિસ્તારમાંથી શંકાસ્પદ મૃતદેહના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. જે અવશેષોને સિદ્ધપુર સિવિલમાં પીએમ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. મંગળવારની આ ઘટના બાદ બુધવારે સિદ્ધપુરની લાલ દોશીની શેરીમાં આવેલી પાઈપલાઈનમાંથી મૃતદેહના વધુ અવશેષો મળી આવ્યા હતા. જ્યારે શુક્રવારે ફરી એક પગ મળ્યો હતો.
સિદ્ધપુરમાંથી ગુમ થયેલી યુવતીને લઈ તપાસ હાથ ધરાઈ
સિદ્ધપુરમાં રહેતી લવિના નામની એક યુવતી 7 મેંના રોજ ગુમ થઈ હતી. તેનો આજદિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પાણીની ટાંકી તરફ જતા રસ્તા પરના એક સીસીટીવી પોલીસને મળી આવ્યા છે, જેમાં ગુમ થયેલી યુવતી નજરે પડે છે. પાણીની ટાંકીની તપાસ કરતા પોલીસને એક દુપટ્ટો પણ મળી આવ્યો હતો. જે ગુમ થયેલી યુવતીનો હોવાનું માનવામાં આવે છે.
સોમવાર સુધીમાં DNA રિપોર્ટ આવવાની શક્યતા
પીવાના પાણીની લાઈનમાંથી જે અવશેષો મળી આવ્યા હતા તે ગુમ થયેલી યુવતીના જ છે કે નહીં તેના માટે DNA રિપોર્ટ કરાવવામાં આવી રહ્યો છે. ગુમ થયેલી યુવતીના માતા-પિતાના લોહીના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. જ્યાંથી સોમવાર સુધીમાં રિપોર્ટ આવવાની શક્યતા છે.
ગુમ યુવતીના પરિવારજનોએ શું કહ્યું?
ગુમ યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી લવિના સાત મેના રોજ સાંજે 7:30ના સમયના સુમારે મંદિરે દર્શન કરવા જાઉ છું એમ કહીને નીકળી હતી, જે મોડા સુધી પરત ન આવતા, મેં ઘરે આવ્યા બાદ પરિવારના સભ્યો સાથે મંદિર સહિત સિદ્ધપુર શહેરના વિવિધ વિસ્તારોમાં તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ પત્તો ન લાગતાં આખરે સાત તારીખે રાત્રે સિદ્ધપુર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી.
પોલીસ પર યોગ્ય તપાસ ન કરી હોવાનો આક્ષેપ
પાટણના સિદ્ધપુરમાંથી ગુમ થયેલી યુવતીની નાની બહેને પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારી બહેન ગુમ થયાને ઘણા દિવસ થઈ ગયા છે. પોલીસે સવાર-સાંજ આવીને સહી લઈને જતી રહે છે. અમને કહે છે કે તમે કંઈક ક્લૂ આપો. અમે શું ક્લૂ આપીએ. આ આક્ષેપો મામલે સિદ્ધપુરના પીઆઈ જે.બી. આચાર્યએ જણાવ્યું હતું કે, અમે શરૂઆતથી જ પરિવારને સાથે રાખીને તપાસ કરી રહ્યા છીએ. અમે પરિવારના ઘરે જઈને નિવેદન લીધેલા છે. પોલીસની અલગ અલગ ટીમો આ મામલાની તપાસ કરી રહી છે.
મારી બહેનનાં 12 મેના રોજ લગ્ન હતાં
ગુમ થયેલી લવીનાની નાની બહેન રેશ્માએ જણાવ્યું હતું કે મારી મોટી બહેનના તારીખ 12 મેના રોજ લગ્ન હતાં અને લગ્નને લઈને તે ઉત્સાહી પણ ખૂબ જ હતી. બ્યૂટિપાર્લર સહિતની તમામ તૈયારીઓ પોતે જાતે જ કરી હતી અને દરેકને લગ્નની જવાબદારી પણ મારી બેને સોંપી હતી. મારા બનેવી સાથે તેણે હોશે હોશે પ્રિવેડિંગ પણ કરાવ્યું હતું, પરંતુ સાતમી મેના રોજ રવિવારની સાંજે મંદિરે દર્શન કરીને આવું છું એમ કહીને ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી પરત ન ફરતાં આ બાબતની મારા પપ્પાએ સિદ્ધપુર પોલીસમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી.
મને દુપટ્ટો મારી બહેનનો લાગ્યો: ગુમ યુવતીની બહેન
મંગળવારે સિદ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમાંથી પાણીની પાઇપલાઇનના ખોદકામ દરમિયાન મૃતદેહના અવશેષ નીકળવાની ઘટનાને પગલે પોલીસે ખરાઈ કરવા માટે અમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા બતાવેલી બંગડી પર રેતી ચડેલી હોવાથી મારી બહેનની બંગડી હોવાનું અમે ઓળખી શક્યા ન હતા. જ્યારે બુધવારે ફરીથી પોલીસે મને બોલાવતા અને પાણીના ટાંકામાંથી મળેલો દુપટ્ટો બતાવતાં એ દુપટ્ટો મારી બહેનનો હોવાનું મેં પોલીસને જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા બતાવેલા સી.સી.ટી.વી. કૂટેજમાં મારી બહેન પાણીના ટાંકા તરફ ઝડપથી જતી જોવા મળી હતી. ડીએનએ ટેસ્ટ માટે મારી માતાના બ્લડનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે.
સિદ્ધપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યું હતું
યુવતી ગુમ થવાના બનાવને પગલે પરિવારજનો સહિત સમગ્ર સિદ્ધપુર શહેરમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ગુરુવારે યુવતીના નિવાસ સ્થાનેથી પરિવારજનો સહિત સિંધી સમાજના લોકો અને સિદ્ધપુરના નગરજનો એ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને બનાવના પગલે સિદ્ધપુરના તમામ વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.