સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઘોષિત ૯મી ઓગસ્ટ એટલે કે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઝાલોદ તાલુકાના કદવાલ માં આદિવાસી પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નો પ્રારંભ વિશાળ સંખ્યામાં આદિવાસી સાંસ્કૃતિક પહેરવેશ, વાદ્યો, પરંપરાગત હથિયારો, સહિત મોટી સંખ્યામાં યુવાનો, માતાઓ,બહેનો, વડીલો દ્વારા સાંસ્કૃતિક પહેરવેશમાં વિશાળ રેલી યોજીને કરવામાં આવ્યો હતો. તેમજ ગામની મધ્યમાં ‘ગોવિંદગુરુ ચોક’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ રેલી કદવાલ માધ્યમિક શાળાના પટાંગણમાં સભામાં ફેરવાઈ હતી. તેમાં વક્તા તરીકે શ્રી સકજી ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા તેમણે આદિવાસીઓની જીવન પદ્ધતિથી લઈને સાંસ્કૃતિક પરંપરા તથા અધિકારોની વિસ્તૃત ચર્ચા કરી હતી. બીજા વક્તા શ્રી જયેશ સંગાડા એ વિશ્વ આદિવાસી દિવસ નું મહત્વ અને યુનો દ્વારા કેમ ઘોષિત કરવામાં આવ્યો તેની વિસ્તૃત સમજ અને શિક્ષણના પડકારો તથા શિક્ષણ મેળવીને ભવિષ્યમાં સારા ડોક્ટર,એન્જિનિયર સુધી પહોંચવા યુવાનોને આહવાન કર્યું હતુ.
જ્યારે અન્ય વક્તા પ્રોફે. ડૉ. ગણેશ નિસરતાએ આદિવાસી સમાજની ભવ્ય પરંપરા, વારસો, ઇતિહાસ અને ભાષા, બોલી જેવી આદિવાસી અસ્મિતાને બચાવવા આહવાન કર્યું. તેમજ કદવાળ ના સ્વાતંત્ર સેનાનીઓ કે જેઓ આઝાદીના જંગમાં અગ્રેસર રહી ભીલ સેવા મંડળ માં જોડાઈને આદિવાસી ઉદ્ધારની પ્રવૃત્તિ કઈ રીતે કરી તેની ચર્ચા કરી હતી. તેમજ શ્રી મગનભાઈ ડામોરે ગોવિંદગુરુ ની ભગત પરંપરા ની ચર્ચા કરી હતી. તે ઉપરાંત આદિવાસી પરંપરાને બચાવવા ઘોર, ધારવો, તેમજ ઢોલ નૃત્ય યુવાનો દ્વારા રજૂ થયુ હતુ. ગોવિંદ ગુરુના ભજનો તેમજ આદિવાસી ગીતો પણ રજૂ થયા હતા. ઉપસ્થિત કેટલાક યુવાનોએ તેમના વિચારો પણ રજુ કર્યા હતા. કદવાલ ગામની સ્કૂલોના પ્રથમ, દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન આદિવાસી પરિવારના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમના અંતે ભોજન ની વ્યવસ્થા પણ સૌના સહયોગથી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં માતાઓ,બહેનો, બાળકો અને વડીલો ઉપસ્થિત રહ્યા તેથી આ સંપૂર્ણ કાર્યક્રમ સફળ રહ્યો.
અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)