- રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારી ન થઈ હોવાની રજૂઆત સાથે એક પિટિશન ફાઈલ થઈ છે
- 60 મોલ, 300 ફટાકડાની દુકાન, 50 પંડાલો અને 80 જેટલા પેટ્રોલ પંપ પર પૂરતી ફાયર સેફ્ટી
રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારી ન થઈ હોવાની રજૂઆત સાથે થયેલી પિટિશનમાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસરે સોગંદનામું કર્યું હતું. અમદાવાદ ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુરએ કરેલા સોગંદનામામાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અમદાવાદની 2022માંથી હજુ 700 જેટલી હોસ્પિટલો પાસે ફાયર સેફ્ટીનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ(NOC) નથી. 2385 ટ્યૂશન ક્લાસીસમાંથી 185 ટ્યૂશન ક્લાસમાં 1200 હોટલ-રેસ્ટોરાંમાંથી 450 પાસે ફાયરનું NOC જ નથી.
કોરોનાની સ્થિતિ થાળે પડે ત્યારે તમામ એકમોને નોટિસની કાર્યવાહીની રજૂઆત
અમદાવાદના ઘણા હાઇરાઇઝ બિલ્ડિંગમાં પણ ફાયર સેફ્ટીની NOC નહીં હોવાની પણ રજૂઆત થઈ છે. કોરોના મહામારીના આ સંજોગોમાં હાલ આકરાં પગલાં લેવાનું ટાળ્યું હોવાની રજૂઆત ચીફ ફાયર ઓફિસર તરફથી કરાઈ છે. ફાયર સેફ્ટી એનઓસી મેળવવાની કાયદાકીય અને સામાજિક જવાબદારી નાગરિકોની હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. મહામારીની આ સ્થિતિ થાળે પડે ત્યારે આવા તમામ એકમો સામે નોટિસ જારી કરી કાર્યવાહી કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
શ્રેય હોસ્પિટલ વેલિડ ફાયર સેફ્ટી NOC ન હતું
અમદાવાદમાં આવેલા 60 મોલ, 300 ફટાકડાની દુકાન, 50 પંડાલો અને 80 જેટલા પેટ્રોલ પંપ પાસે પૂરતા ફાયર સેફ્ટીનાં સંસાધનો હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. શ્રેય હોસ્પિટલનું ફાયર સેફ્ટીનું NOC એપ્રિલ મહિનામાં પૂર્ણ થઈ ગયું હતું. શ્રેય હોસ્પિટલમાં આગ લાગી એ વખતે હોસ્પિટલમાં વેલિડ ફાયર સેફ્ટી NOC નહોતું તેવું જણાવવામાં આવ્યું હતું. વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
હાઈકોર્ટે મુખ્ય સચિવ, મ્યુનિ. કમિ., ચીફ ફાયર ઓફિસર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી
એક મહિના પહેલાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં આગ લાગે તો આ ઈમર્જન્સીના સમયમાં તેને ઠારવા માટે કેવી રીતે કામ કરવું? તે અંગે કોઈને તાલીમ આપવામાં આવી છે ખરી? જો આગ કેવી રીતે ઓલવવી અને આવી સ્થિતિમાં કેવી રીતે કામ કરવું તે આવડતું જ ના હોય તો આગની આ પ્રકારની દુર્ઘટનાને કેવી રીતે ટાળી શકાશે? હોસ્પિટલ કે બહુમાળી મકાનોમાં ફાયર સેફ્ટી માટેનાં સાધનો કામ કરતાં ના હોય તો જવાબદાર કોણ હશે? હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે ફાયર સેફ્ટીના કાયદાના અમલમાંથી મ્યુ. કોર્પોરેશન વિસ્તારને બાકાત રાખવાની વાત એ ગંભીર બાબત છે. હાઇકોર્ટે મુખ્ય સચિવ, મ્યુનિ. કમિશનર, ચીફ ફાયર ઓફિસર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે. આગની દુર્ઘટનામાં 8 દર્દીનાં મૃત્યુ થયાં હતાં.