આપણા શાસ્ત્રકારો કહે છે કે, જનની જણ તો જણજે, ભક્ત દાતા કે સુર નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. દરેક માતાની ફરજ છે કે, બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું જોઈએ. પોતાના બાળકને ભક્ત, દાતા અથવા શૂરવીર બનાવવો જોઈએ. આ દુનિયામાં જન્મ આપવો એટલું જ મહત્વનું નથી. જન્મ તો કૂતરા પણ તેમના બચ્ચાંને આપે છે અને ગધેડા પણ તેમનાં બચ્ચાંને આપે છે. પરંતુ સંસ્કાર આપે એવા, માતા-પિતા તો કોઈ ભાગ્યશાળી સંતાનને જ પ્રાપ્ત થાય છે. માતાપિતા એને જ કહેવાય કે, જેમણે બાળપણમાં પોતાના બાળકોને આંગળી પકડીને ચાલવાનું જ નથી શીખવાડ્યું, પરંતુ મંદિર લઈ જવાનું પણ શીખવાડ્યું છે.
માતાપિતાની ફરજ છે કે, પોતાના બાળકોને ફક્ત ખભા ઉપર અને ખોળામાં ના બેસાડો, પરંતુ એમને સંસ્કારની પાઠશાળામાં પણ દાખલ કરાવો. ઘોડાને પણ ચાલ શીખવવી પડે છે, સાહેબ ! જો ગધેડાની ચાલ પ્રમાણે એ ચાલતો થઈ જાય તો, લાતો આપણે ખાવી પડે. તેથી જ બાળકોને નાનપણથી સંસ્કાર આપવા જોઈએ. માટે તો કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી કહેતાં કે, વૃક્ષની કલમને જેમ વાળો તેમ વળે, ધોળા વસ્ત્રને જેવા રંગમાં નાંખો, તેવો રંગ તે ધારણ કરે. કોરા કાગળ ઉપર જે લખવું હોય તે લખાય, તેમ બાળકને જેવા સંસ્કાર આપો તેવા તે થાય. તેથી દરેક માતાપિતાને નમ્ર અપીલ છે કે, બાળકોને શિક્ષણ અને સંપત્તિની સાથે સાથે સંસ્કાર પણ આપજો. બાળકોમાં જો સંસ્કાર હશે, તો તે તમારી પણ સેવા કરશે અને દેશ અને સમાજની સેવા માટે પણ કામ આવશે.