કેરળના મલપ્પુરમ જિલ્લામાં રવિવારે એક ટૂરિસ્ટ બોટ પલટી જતાં 21 લોકોનાં મોત થયાં હતાં. ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર બોટમાં 30થી વધુ લોકો સવાર હતા. કેરળના ખેલમંત્રી વી અબ્દુર્રહમાને વિવિધ હોસ્પિટલોમાંથી મળેલી માહિતીના આધારે 20 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગનાં બાળકો અને મહિલાઓ છે. 4 લોકોને ગંભીર હાલતમાં કોટ્ટક્કલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાના કયા કારણોસર બની તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, સ્થાનિકોના જણાવ્યા મુજબ, બોટ ખીચોખીચ ભરેલી હતી અને તેમાં પૂરતા લાઇફ-જેકેટ્સ નહોતાં. જેના કારણે આવી ઘટના બની છે.
બોટ કિનારે લવાઈ, બચાવ કામગીરી ચાલુ
આ દુર્ઘટના રવિવારે સાંજે લગભગ 7 વાગે મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં તુવાલાથીરામ બીચ નજીક બની હતી. બોટને કિનારે લાવવામાં આવી છે. ફાયર રેન્જ ઓફિસર શિજુ કેકેએ જણાવ્યું હતું કે બોટમાં કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ સંખ્યા જાણી શકાયી નથી. આવી સ્થિતિમાં હજુ વધુ લોકો ફસાયા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે ટ્વીટ કર્યું – કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનામાં લોકોના મોતથી હું દુઃખી છું. મૃતકોનાં પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે.
સવારે 6 વાગ્યાથી મૃતકોનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું
અકસ્માતમાં માર્યા ગયેલા 21 લોકોમાંથી 15ની ઓળખ થઈ ગઈ છે. સવારે 6 વાગ્યાથી મૃતકોના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ થઈ હતી. મંત્રી વી અબ્દુર્રહમાને જણાવ્યું કે બોટ ડૂબી જવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
બીજી તરફ ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના ધારાસભ્ય પીકે કુન્હાલીકુટ્ટીએ કહ્યું કે એવું માનવામાં આવે છે કે બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો હતા, જેના કારણે બોટ ડૂબી ગઈ. આ ઘટના બાદ સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે ઈમર્જન્સી બેઠક બોલાવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે પણ મૃતકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.