ભારતીય વાયુસેના LAC પર ચીનની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે. LAC પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા 3 વર્ષથી તણાવની સ્થિતિ છે. ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત દ્વારા વધારાની સૈન્ય ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે પ્રથમ વખત ભારત-ચીન સરહદ પર બોર્ડર ઇન્ટેલિજન્સ પોસ્ટની સ્થાપનાને મંજૂરી આપી છે.
એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ (VR Chaudhari) મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વાયુસેના (Indian Air Force) આવનારા 7 થી 8 વર્ષમાં અંદાજે 2.5 થી 3 લાખ કરોડ રૂપિયાના મિલિટ્રી પ્લેટફોર્મ, સાધનો અને હાર્ડવેરને સામેલ કરવા પર વિચાર કરી રહી છે. તેમણે એરફોર્સ ડે પહેલા કહ્યુ હતું કે, વાયુસેના વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર અને તેમાં પણ ખાસ કરીને પૂર્વી લદ્દાખની સ્થિતિ પર નજર રાખી રહી છે. વાયુસેના વધારાના 97 હળવા કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ માર્ક 1A ખરીદવાની યોજના કરી રહી છે.
S-400 મિસાઈલના 2 યુનિટ આવતા વર્ષ સુધીમાં મળશે
એરફોર્સ ચીફે એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યુ કે, એરફોર્સને S-400 મિસાઈલ સિસ્ટમના 3 યુનિટ મળ્યા છે અને બાકીના 2 યુનિટ આવતા વર્ષ સુધીમાં મળવાની આશા છે. તેમણે કહ્યું કે, અનિશ્ચિત ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિ ફરી એક મજબૂત સૈન્યની જરૂરિયાતને રેખાંકિત કરી રહી છે અને વાયુસેના આ ક્ષેત્રમાં ભારતની સૈન્ય શક્તિને રજૂ કરવાનો આધાર રહેશે.
વાયુસેના પ્રમુખે કહ્યું કે, અમે અગ્નિપથ યોજનાની સફળતા સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડી નથી. યુદ્ધ અને અભિયાનો દરમિયાન તેમના સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે આર્મી, એરફોર્સ અને નેવીની ક્ષમતાઓને એકીકરણ કરવાના પ્રોજેક્ટ અંગે કામ ચાલુ છે.
ભારત અને ચીન વચ્ચે છેલ્લા 3 વર્ષથી તણાવની સ્થિતિ
ભારતીય વાયુસેના LAC પર ચીનની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે. LAC પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા 3 વર્ષથી તણાવની સ્થિતિ છે. ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત દ્વારા વધારાની સૈન્ય ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી રહી છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે પ્રથમ વખત ભારત-ચીન સરહદ પર બોર્ડર ઇન્ટેલિજન્સ પોસ્ટ (BIP)ની સ્થાપનાને મંજૂરી આપી છે.
LAC પાસે બેઇજિંગ દ્વારા સૈન્ય અને હથિયારોની તૈનાતી સંબંધિત ગતિવિધિઓ પર નજર રાખવા માટે સરકારે આ પગલું ભર્યું છે. દરેક BIP પર 4 અથવા 5 ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ તૈનાત કરવામાં આવશે અને ITBPના જવાનો તેમની સુરક્ષા કરશે. સૂત્રએ જણાવ્યું હતું કે BIP પર તૈનાત કરાયેલા જવાનો સરહદ પારની ગતિવિધિઓ પર નજર રાખશે.