News Updates
AHMEDABAD

ગુજરાતના રેલવે સ્ટેશનો અત્યાધુનિક બનશે:અમદાવાદ ડિવિઝનના 9, રાજકોટ ડિવિઝનના 12 તો વડોદરા ડિવિઝનના 8 રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ થશે

Spread the love

ગુજરાતભરના અનેક રેલવે સ્ટેશનોનું અત્યાધુનિક સુવિધાઓ સાથે નવનિર્માણ પામશે. રાજ્યના સૌથી મોટા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સહિત 9 રેલ્વે સ્ટેશન, રાજકોટ રેલવે જંકશનની સાથે જ ડિવિઝનના 12 સ્ટેશનો અને વડોદરા વિભાગના 8 રેલવે સ્ટેશનના રીડેવલોપમેન્ટના ખાતમુહૂર્ત આવતીકાલે 26 ફેબ્રુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાશે.

એકસાથે 2000 લોકેશન પર લોકાર્પણ અને ખાતમુહૂર્ત
આવતીકાલનો દિવસ રેલવે ઇતિહાસ માટે સૌથી મહત્વનો દિવસ હશે. છેલ્લા 10 વર્ષથી ખૂબ જ સારી રીતે કામગીરી થઈ રહી છે. આ વર્ષે 2 લાખ 52 હજાર કરોડનું ખૂબ સારું બજેટ મળ્યું છે. આ સાથે જ પ્રોજેક્ટને લાગતા તમામ કામો પણ મંજૂર થઈ રહ્યા છે. આવતીકાલનો દિવસ ઐતિહાસિક હશે. જેમાં ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાશે. વડાપ્રધાન એકસાથે 2000 લોકેશન પર લોકાર્પણ અને ખાતમુહૂર્તની કામગીરી કરશે.

મુસાફરોની સુવિધાઓ માટે રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ
સૌરાષ્ટ્ર તરફ જવા માટે દિવસે ને દિવસે રેલ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગર, જૂનાગઢ, કચ્છ તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો હંમેશા ધસારો રહેતો હોય છે, જેના કારણે અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોના રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર સૌથી વ્યસ્ત ગણાતો હોય છે. મુંબઈથી આવતી જતી ટ્રેનોમાં પૂર્વ વિસ્તારમાં રહેતા લોકો ને કાલુપુર સુધી ન જવું પડે તેના માટે મણિનગર અને વટવા રેલ્વે સ્ટેશનને રીડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે તો રાજકોટના ખંઢેરી, સિંધાવદર રેલવે સ્ટેશનનો પણ રીડેવલોપમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય વડોદરાના ઉત્રાણ, સાયણ, કિમ, કોસંબા, અંકલેશ્વર રેલવે સ્ટેશનોનો પણ પુનર્વિકાસ માટે સમાવેશ કરવામાં આવ્યો છે.

લોકોને રેલવેના પાટા ક્રોસ કરવામાં સુવિધા મળશે
રીડેવલોપમેન્ટ થનારા રેલ્વે સ્ટેશનો પર વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્ફોર્સ, એસી વેઇટિંગ રૂમ, સુવિધાજનક પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, વાઇ-ફાઇ, આધુનિક CCTV સિસ્ટમ, પૂરતી પ્રકાશ વ્યવસ્થા વગેરે સુવિધાઓ ઊભી કરાશે. રેલવે લાઈન પર અંડરબ્રિજ-અંડરપાસ બનવાથી લોકોને રેલવેના પાટા ક્રોસ કરવામાં પણ સગવડ રહેશે.

દેશના 554 સ્ટેશન અને 1500 બ્રિજના લોકાર્પણ
દેશના 554 સ્ટેશનોના પુનર્વિકાસ તેમજ 1500 રોડ ઓવર બ્રિજ/અંડર બ્રિજના શિલાન્યાસ/લોકાર્પણની 41,000 કરોડ રૂપિયાની પરિયોજનાના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જેમાં અમદાવાદ મંડળના અમદાવાદ સહિત 9 સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ, 19 રોડ અંડરબ્રિજ-અંડરપાસનું સમાવેશ થાય છે. અમદાવાદ ડિવિઝનના 9 સ્ટેશનોમાં અમદાવાદ રેલવે સ્ટેશનના મેજર અપગ્રેડેશન તેમજ અમૃત ભારત સ્કીમ હેઠળ મણિનગર, ચાંદલોડિયા, વટવા, સામખયાલી, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા અને ભીલડી સ્ટેશનોનો 233 કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવશે.

વડોદરામાં પ્લેટફોર્મ પર બાંકડા અને પાણીની સુવિધા સારી બનાવશે
વડોદરામાં પુનર્વિકાસ માટે પસંદ થયેલા સ્ટેશનોમાં ઉત્રાણ, સાયણ, કિમ, કોસંબા, અંકલેશ્વર રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે, જેમાં સર્ક્યુલેટિંગ એરિયા, પાર્કિંગ, સ્ટેશન બિલ્ડિંગ સાઇનેજ, વોટર બૂથ, ટોઇલેટની સુવિધાઓમાં સુધાર થશે. પ્લેટફોર્મ પર બાંકડા અને પાણીની પરબને વધારે સારી બનાવવામાં આવશે. ઉત્રાણ સ્ટેશન પર સબ-વે બનશે. સાયણ, કિમ, અંકલેશ્વર અને મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનો પર 12 મીટર પહોળો ફુટ ઓવરબ્રિજ બનશે. સાયણ, કિમ, કોસંબા, અંકલેશ્વરમાં સરફેસને વધારે સારી બનાવાશે. ગોધરા અને અંક્લેશ્વરમાં લિફ્ટ મૂકવામાં આવશે. તમામ પુનર્વિકાસના કાર્યો માટે ઉત્રાણ માટે 7.89 કરોડ, સાયણ માટે 31.54 કરોડ, કિમ અને કોસંબા દરેક માટે 26.60 કરોડ, અંકલેશ્વર માટે 39.80 કરોડ, ગોધરા માટે 6.18 કરોડ, કરમસદ માટે 7.13 કરોડ રૂપિયા અને મહેમદાવાદ ખેડા રોડ માટે 28.36 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

રાજકોટમાં 11 રોડ ઓવરબ્રિજ-અંડરપાસ બનશે
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ ડિવિઝનના 12 સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. જેમાં રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનોના પુનઃવિકાસનો કુલ ખર્ચ આશરે રૂ. 181.42 કરોડ જેટલો છે. આ સાથે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ ડિવિઝનમાં ખંઢેરી, ખંભાળિયા, ઓખામઢી, પીપલી, હાપા, જામવંથલી, સિંધાવદર, વાણીરોડ, મોડપુર, ચણોલ, હડમતિયા, લીલાપુર, જગડવા અને લાખામાંચીમાં અલગ અલગ 11 રોડ ઓવરબ્રિજ-અંડરપાસનું શિલાન્યાસ અને 9 રોડ અંડરપાસનું વડાપ્રધાનના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. તમામ ઓવરબ્રિજ-અંડરબ્રિજના નિર્માણનો કુલ ખર્ચ આશરે રૂ. 175.25 કરોડ છે.

સૌરાષ્ટ્રનાં વેપાર-ઉદ્યોગોને મોટો લાભ થશે
ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેલવે સ્ટેશનની જગ્યા ખૂબ જ ટૂંકી છે અને રોજની 15 થી વધુ ટ્રેનની જોડીઓની અવરજવર અહીં રહે છે. તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું રેલવે સ્ટેશન હોવાથી મુસાફરોને વધુમાં વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે વર્લ્ડ ક્લાસનું બનાવવાનો શિલાન્યાસ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. રેલવે સ્ટેશન આધુનિક બનતા જ રાજકોટને હાઈસ્પીડ અને લાંબા અંતરની અંદાજે 5 કરતા વધુ નવી ટ્રેનો મળવાની પણ શક્યતા છે. જેને લઈને માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રનાં લોકો તેમજ વેપાર-ઉદ્યોગોને પણ મોટો લાભ થશે.


Spread the love

Related posts

ગુજરાતમાં ક્યાંક મેઘમહેર તો ક્યાંક કહેર!:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં સાર્વત્રિક વરસાદ; જૂનાગઢમાં 10.5 ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યાં; ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક

Team News Updates

Ahmedabad ના અસારવા-ડુંગરપુર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ચિત્તોડગઢ સુધી લંબાવાઈ

Team News Updates

અધિક મહિનામાં મહિલા MLAને અધિક ગ્રાન્ટ!:રસ્તા બનાવવા CMએ સવા-સવા કરોડની વધારાની ગ્રાન્ટની જાહેરાત કરી

Team News Updates