જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શુક્રવારે સવારથી સેના અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાના 5 જવાન શહીદ થયા છે. સવાર સુધી બે જવાનો શહીદ થયાના સમાચાર હતા. ઘાયલ થયેલા વધુ ત્રણ જવાનોના મોત થયા છે. આ રીતે આ આંકડો 5 થયો.. લગભગ 9 કલાકથી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. સવારે 7:30 વાગ્યે શરૂ થયું હતું
સૂત્રોએ જણાવ્યું કે સેનાએ આ વિસ્તારમાં 2-3 આતંકીઓને ઘેરી લીધા છે. આ એ જ આતંકવાદીઓ છે જે પૂંછમાં સેનાની ટ્રક પર હુમલામાં સામેલ હતા. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આ દરમિયાન આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો, જેમાં સેનાના જવાન શહીદ થયા હતા.
રાજૌરીમાં એન્કાઉન્ટર ગોવાના પણજીમાં ચાલી રહેલી SCO મીટિંગ પહેલા શરૂ થયું હતું. આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ ભાગ લીધો છે. ભુટ્ટો ભારતના વિદેશ મંત્રીને પણ મળ્યા હતા. આ મીટિંગની થોડી જ મિનિટોમાં જયશંકરે ભુટ્ટોની સામે કહ્યું- આતંકવાદ વિશ્વ માટે સૌથી મોટું જોખમ છે.
જ્યાં આતંકવાદીઓ ઘેરાયેલા છે ત્યાં પહાડો અને જંગલો છે
જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કંડી વિસ્તારમાં શુક્રવારે સવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. છેલ્લા 72 કલાકમાં આતંકીઓ સાથે સેનાનું આ ચોથું એન્કાઉન્ટર છે. ગુરુવારે સાંજે અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો.
ગુરુવારે સવારે બારામુલ્લાના વનીગમ પાયીન ક્રેરી વિસ્તારમાં સેનાએ લશ્કરના બે આતંકવાદીને ઠાર કર્યા હતા. જ્યારે બુધવારે પણ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. આ મુજબ 3 દિવસમાં કુલ 4 આતંકવાદી માર્યા ગયા છે.
ગુરુવારે સાંજે અનંતનાગમાં એન્કાઉન્ટરમાં 1 જવાન ઘાયલ થયો હતો
ગુરુવારે સાંજે અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં એક સિક્યોરિટી ગાર્ડને સામાન્ય ઈજા થઈ હતી, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી હતી. જૂથે એક પોસ્ટમાં કહ્યું છે કે હુમલામાં વરિષ્ઠ અધિકારીઓ સહિત ઘણા સૈનિકો ઘાયલ થયા છે. કાશ્મીર ટાઈગર્સ આવા વધુ હુમલાની યોજના બનાવી રહ્યું છે.
ગુરુવારે સવારે બારામુલ્લામાં બે આતંકવાદી માર્યા ગયા હતા
જમ્મુ અને કાશ્મીરના બારામુલાના વનીગમ પાયીન ક્રેરી વિસ્તારમાં ગુરુવારે સેનાએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી સેનાને મળી હતી. ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું, ત્યાર બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. એમાં બંને આતંકવાદીને ઠાર મરાયા હતા. સેના દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો.
કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું છે કે આ પોલીસ અને સેનાનું સંયુક્ત ઓપરેશન છે. એ 29RR, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું હતું. આતંકીઓ પાસેથી 1 AK-47, 1 પિસ્તોલ અને દારૂગોળો મળ્યો છે.
બુધવારે પણ બે આતંકવાદી માર્યા ગયા હતા
બુધવારે જ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન દરમિયાન માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઓપરેશનમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. આતંકવાદીઓએ સરહદ નજીકથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.
પૂંછ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા
બે અઠવાડિયાં પહેલાં આતંકવાદીઓએ પૂંછમાં સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો, જેમાં 5 જવાન શહીદ થયા હતા. આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટીફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) દ્વારા લેવામાં આવી હતી. આ પછી તેણે ફરીથી હુમલો કરવાની ધમકી પણ આપી હતી. PAFF એ જૈશ-એ-મોહમ્મદનું સમર્થન કરતું સંગઠન. કલમ 370 નાબૂદ કર્યા પછી PAFF જૈશના પ્રોક્સી સંગઠન તરીકે ઊભરી આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં સેનાની ટ્રક પર આતંકી હુમલો, 5 જવાનો શહીદ; આતંકવાદીઓએ ગોળીબાર કર્યો
જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ સેનાની ટ્રક પર હુમલો કર્યો હતો. આ પછી ટ્રકમાં આગ લાગી હતી, જેમાં 5 જવાન શહીદ થયા હતા. શહીદ થયેલા જવાનોની ઓળખ લાન્સ નાઈક દેબાશીશ બસવાલ, લાન્સ નાઈક કુલવંત સિંહ, સિપાહી હરકિશન સિંહ, સિપાહી સેવક સિંહ અને હવાલદાર મનદીપ સિંહ તરીકે થઈ હતી.