News Updates
NATIONAL

1984ના શીખ રમખાણો, CBIની ચાર્જશીટમાં ટાઇટલરનું નામ:કોંગ્રેસના નેતા પર ટોળાંને ઉશ્કેરવાનો આરોપ, 3નાં મોત થયાં હતાં; 2 જૂને સુનાવણી

Spread the love

CBIએ શનિવારે 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત પુલ બંગશ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ ચાર્જશીટમાં 78 વર્ષીય કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલરનું આરોપી તરીકે નામ આપ્યું છે.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, 1 નવેમ્બર, 1984ના રોજ, તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાના એક દિવસ પછી ટોળાંએ પુલ બંગશ વિસ્તારમાં ગુરુદ્વારાને આગ લગાવી દીધી હતી, જેમાં ત્રણ લોકોનાં મોત થયા હતા.

ટાઇટલરે 39 વર્ષ પહેલાં પોતાના ભાષણમાં ભીડને ઉશ્કેરવાનો આરોપ છે. જેમાં ત્રણ શીખ ઠાકુર સિંહ, બાદલ સિંહ અને ગુરુ ચરણ સિંહના જીવ ગયા હતા.

સીબીઆઈએ ટાઈટલર પર આઈપીસી કલમ 147 (હુલ્લડો), 109 (ઉશ્કેરણી) અને 302 (હત્યા)નો આરોપ મૂક્યો છે. તેની સુનાવણી 2 જૂને થશે.

અગાઉ ત્રણ વખત ક્લીનચીટ મળી હતી
શીખ રમખાણોના કેસમાં સીબીઆઈએ અગાઉ ત્રણ વખત ટાઇટલરને ક્લીનચીટ આપી હતી. 2007માં પ્રથમ ક્લીનચીટ આપવામાં આવી હતી. પરંતુ કોર્ટે તેને સદંતર ફગાવી દીધી હતી અને ફરીથી તપાસનો આદેશ આપ્યો હતો. આ પછી 2013માં સીબીઆઈએ પુરાવાના અભાવને કારણે ફરીથી ટાઇટલરને ક્લીનચીટ આપી.

અરજદારો ફરી કોર્ટમાં પહોંચ્યા, તપાસ થઈ અને ટાઈટલરને ફરીથી બચાવી લેવામાં આવ્યા. છેવટે, ડિસેમ્બર 2015 માં, કોર્ટે સીબીઆઈને કેસની વધુ તપાસ કરવા નિર્દેશ આપ્યો, કહ્યું કે તે દરેક પાસાંઓની તપાસ થાય તે સુનિશ્ચિત કરવા માટે દર બે મહિને તપાસનું નિરીક્ષણ કરશે.

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે સીબીઆઈએ તે તમામ સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવા જોઈએ જેમણે પોતાને પ્રત્યક્ષદર્શી ગણાવ્યા હતા અને ટાઈટલરને રમખાણો ભડકતા જોયા હતા. જે સાક્ષીઓએ તેમની જુબાની નોંધવા CBIનો સંપર્ક કર્યો હતો તેમના નિવેદનો પણ લેવા જોઈએ. ત્યારપછી સીબીઆઈએ બીજી તપાસ હાથ ધરી અને ચાર્જશીટમાં ટાઇટલરનું નામ આપ્યું.

રમખાણ પીડિતા લખવિંદર કૌર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાઇટલર વિરુદ્ધ પહેલી જુબાની રમખાણ પીડિતા લખવિંદર કૌરે આપી છે. કૌર પણ આ કેસમાં અરજદાર છે. કૌરના પતિ બાદલ સિંહ પુલ બંગશમાં માર્યા ગયેલા લોકોમાંના એક હતા. સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે ચાર્જશીટ માટે કૌરની જુબાની મહત્વપૂર્ણ છે. કૌરે જણાવ્યું કે ઘટનાના દિવસે તેના પતિ કીર્તન માટે ગુરુદ્વારા ગયા હતા, પરંતુ ત્યાં તે બળીને મરી ગયા.

ગુરુદ્વારાના તત્કાલીન ગ્રંથી સુરિન્દર સિંહ
સીબીઆઈએ ટાઇટલર વિરુદ્ધ ગુરુદ્વારાના તત્કાલિન ગ્રંથી સુરિન્દર સિંહના નિવેદનને પણ ટાંક્યું છે. સુરિન્દર તેના અગાઉ નોંધાયેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ટોળાંએ રાગી બાદલ સિંહ, શીખ પોલીસ ઈન્સ્પેક્ટર ઠાકુર સિંહ અને એક શીખ સેવકની આસપાસ ટાયર લગાવી દીધા અને તેમને આગ લગાવી દીધી. આ ઘટના સવારે 9 થી 11 વાગ્યાની વચ્ચે બની હતી અને જ્યારે હત્યાકાંડ થઈ રહ્યો હતો ત્યારે ટાઈટલર ત્યાં હાજર હતો.

જોકે, ટાઇટલરે તેમના બચાવમાં દલીલ કરી છે કે તેઓ 1 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી તીન મૂર્તિ ભવનમાં હતા અને ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછીની વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા હતા.

ત્રીજો સાક્ષી જસબીર સિંહ
જસબીર સિંહ ટાઇટલર વિરુદ્ધ ત્રીજા સાક્ષી છે. સિંઘ કહે છે કે 3 નવેમ્બર, 1984ના રોજ તેણે ટાઇટલરને તેના માણસો સાથે વાત કરતા સાંભળ્યા હતા. જેમાં ટાઇટલર ગુરુદ્વારામાં ત્રણ શીખોની હત્યા માટે તેના સમર્થકોને ઠપકો આપી રહ્યો હતો. કેલિફોર્નિયાના રહેવાસી જસબીર સિંહને અગાઉ ઘોષિત અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ સીબીઆઈએ બાદમાં તેમનું નિવેદન નોંધ્યું હતું.

કોણ છે જગદીશ ટાઇટલર
જગદીશ ટાઇટલર 2004માં મનમોહન સિંહ સરકારમાં મંત્રી હતા, પરંતુ વિરોધને કારણે રાજીનામું આપવું પડ્યું હતું. તેમને ગયા વર્ષે દિલ્હી નગરપાલિકાની ચૂંટણી માટેની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેણે ભારે વિવાદ સર્જ્યો હતો. તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ હાજરી આપવાના હતા, પરંતુ વિવાદથી બચવા તેઓ આ યાત્રામાં જોડાયા ન હતા.

શીખ વિરોધી રમખાણો શું છે
1984માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. પંજાબમાં શીખ આતંકવાદને ડામવા માટે, ઈન્દિરા ગાંધીએ શીખોના પવિત્ર મંદિર સુવર્ણ મંદિર સંકુલમાં ઓપરેશન બ્લુસ્ટાર હાથ ધર્યું હતું, જેમાં આતંકવાદી ભિંડરાવાલા સહિત ઘણા લોકો માર્યા ગયા હતા. આ ઘટનાથી શીખો નારાજ હતા.

થોડા દિવસો પછી ઇન્દિરા ગાંધીની તેમના જ શીખ અંગરક્ષકો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી દેશભરમાં શીખ વિરોધી રમખાણો શરૂ થયા, જેની સૌથી વધુ અસર દિલ્હી અને પંજાબમાં જોવા મળી. રમખાણો દરમિયાન લગભગ સાડા ત્રણ હજાર લોકોનાં મોત થયાં હતાં.


Spread the love

Related posts

બાબાના વિરોધમાં બાપુની એન્ટ્રી:શંકરસિંહે કહ્યું: ‘ધતિંગ કરતા બાબા ભાજપનું માર્કેટિંગ કરે છે’, BJP પ્રવક્તાનો વળતો જવાબ: ‘ભાજપે સભાનું આયોજન નથી કર્યું’

Team News Updates

શ્રીલંકામાં રમશે  ટીમ ઈન્ડિયાના 15 માંથી 7 ખેલાડીઓ પ્રથમ વખત 

Team News Updates

10 રૂપિયાની નોટ 6.90 લાખમાં વેચાઈ…

Team News Updates