બોલિવૂડના જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ મંગળવારે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી. અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિન પર લગભગ 250 કરોડ રૂપિયાનું દેવું હતું. તેમની કંપની એનડી સ્ટુડિયો પર ભારે દેવું હતું. નીતિને એક કંપની પાસેથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી.
વ્યાજ સહિત લોનની રકમ રૂ. 250 કરોડ સુધી પહોંચી ગઈ હતી. કંપનીએ રિકવરી માટે કાયદેસરના પગલાં લીધા હતા. કંપનીએ ત્યાંના જિલ્લા મેજિસ્ટ્રેટને સ્ટુડિયો જપ્ત કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. એનડી સ્ટુડિયોને સીલ કરવામાં આવે તેવી પણ શક્યતા હતી. બીજી તરફ પોલીસને નીતિનના ફોનમાંથી એક ઓડિયો ક્લિપ મળી છે, જેમાં ચાર લોકોનો ઉલ્લેખ છે.
નીતિન દેસાઈએ બે વખત લોન લીધી હતી
નીતિનની કંપની એનડી આર્ટ્સ વર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડે ECL કંપની દ્વારા બે વખત 185 કરોડની લોન લીધી હતી. પહેલી લોન 2016માં જ્યારે બીજી લોન 2018માં લેવામાં આવી હતી. 2020 માં, જ્યારે લોન ચૂકવવાની વાત આવી, ત્યારે બધી સમસ્યાઓ શરૂ થઈ ગઈ.
પોલીસે કહ્યું- સવારે 9 વાગ્યે મૃતદેહ દોરડાથી લટકેલો જોવા મળ્યો હતો
પોલીસનું કહેવું છે કે નીતિન દેસાઈનો મૃતદેહ સવારે 9 વાગ્યે દોરડાથી લટકતો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડોગ સ્કોવડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસનું કહેવું છે કે તેઓ દરેક એંગલથી કેસની તપાસ કરી રહ્યા છે.
પોલીસને નીતિનની ઓડિયો ક્લિપ મળી છે
પોલીસને નીતિનના મોબાઈલમાંથી એક ઓડિયો ક્લિપ મળી છે, જેમાં 4 લોકોનો ઉલ્લેખ છે. પોલીસને શંકા છે કે નીતિન દેસાઈએ તેમના દબાણને કારણે આત્મહત્યા કરી છે. ટૂંક સમયમાં તેમનું નિવેદન નોંધવામાં આવશે.
નીતિન ડિઝની લેવલનો સ્ટુડિયો બનાવવા માંગતા હતા – નિર્માતા આનંદ પંડિત
નિર્માતા આનંદ પંડિતે કહ્યું, ‘નિતિન દેસાઈ વાસ્તવમાં કર્જતમાં ડિઝની લેવલનો સ્ટુડિયો બનાવવા માંગતા હતા, તે આ બાબતે તણાવમાં હતા. જોકે 6 મહિના પહેલા જ્યારે મેં તેની સાથે છેલ્લીવાર વાત કરી હતી, ત્યારે તે એકદમ ખુશ હતા, હવે શું થયું છે તે ખબર નથી’.
નીતિન દેસાઈના સન્માનમાં અક્ષય કુમારે ‘OMG-2’નું ટ્રેલર લૉન્ચ કરવાનું સ્થગિત રાખ્યું
આજે ફિલ્મ OMG-2 નું ટ્રેલર રિલીઝ થવાનું હતું. નીતિન દેસાઈની યાદમાં અને આદરમાં, અક્ષયે ટ્રેલરનું લોન્ચિંગ એક દિવસ માટે મોકૂફ રાખ્યું છે. અક્ષયે સોશિયલ મીડિયા પર લખ્યું , ‘હું નીતિન દેસાઈ વિશે સાંભળીને ચોંકી ગયો છું. પ્રોડક્શન ડિઝાઇનમાં તેમનું કામ ભૂલી શકાય તેમ નથી. અમે તેમના આદરના ભાગરૂપે આજે OMG-2 નું ટ્રેલર લોન્ચ કરી રહ્યા નથી. આવતીકાલે સવારે 11 વાગ્યે તમને ટ્રેલર જોવા મળશે.
રાત્રે 10 વાગ્યે રૂમમાં ગયા, સવારે દરવાજો ના ખૂલ્યો
નીતિન 58 વર્ષના હતા. તે પોતાનો મોટાભાગનો સમય તેના એનડી સ્ટુડિયોમાં વિતાવતા હતા. પોલીસ સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું કે, દેસાઈ મંગળવારે રાત્રે 10 વાગ્યે તેમના રૂમમાં ગયા હતા. આજે સવારે તે ઘણા સમય સુધી બહાર આવ્યો ન હતા.
તેમના બોડી ગાર્ડ અને અન્ય લોકોએ દરવાજો ખખડાવ્યો. બારીમાંથી જોયું તો દેસાઈનો મૃતદેહ સીલિંગ ફેન સાથે લટકતો જોવા મળ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 10 લોકોના નિવેદન નોંધ્યા છે.